Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Thursday, July 23, 2009

કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …


- ઉમાશંકર જોશી

Wednesday, July 22, 2009

જાણીબૂઝીને - હરીન્દ્ર દવે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે' ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?


(કવિ પરિચય)

Tuesday, July 21, 2009

કેમ છો?

કેટલા વરસે મળી ગ્યા 'કેમ છો?'
સાવ બસ ભૂલી ગયા'તા 'કેમ છો?'

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું'તું હસતાં 'કેમ છો?'

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, 'કેમ છો?'

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું'તું અમથા, 'કેમ છો?'

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં 'કેમ છો?

Friday, July 17, 2009

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું - સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો'કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

-સુરેશ દલાલ

Wednesday, July 15, 2009

ગુજરાત મોરી મોરી રે -- ઉમાશંકર જોશી

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા'કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

Tuesday, July 14, 2009

ઊર્ધ્વમૂલ -- રાજેન્દ્ર શુક્લ

ક્ષણ સરકતું, લરહરતું વૃક્ષ છું.
શ્વાસનો સંચાર કરતું વૃક્ષ છું.

હો ધરા કે હો ગગન મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.

મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.

તું, ખખડધજ કાળ, ખોડાઈ રહે
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.

ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.

- રાજેન્દ્ર શુક્લ

(મકરંદ=પુષ્પરસ)

Saturday, July 11, 2009

દૂધમાં સાકર -- ઉમાશંકર જોશી

સૌ પારસી પૂજક અગિનના જે,
ઇરાન છોડે, નિજ ધર્મ કાજે;
સમુદ્ર ખેડી, ગુજરાત આંગણે,
સંજાણ આવી, નિજ ભૂમિ આ ગણે.
સંજાણનો જેહ સુજાણ રાણો
તેની કને દૂત વદંત શાણો;
છીએ વિદેશી, વસવાટ આપો.

ધર્મી જનોનું, ન્રુપ, દુ:ખ કાપો !
રાણો વિચારે તસુ ભોંય છે ના,
વસી નવી કો વસતી શકે ના.
કહ્યું દઇ દૂધ-ભરેલ પ્યાલો :
કહેજે ગુરુને અમ ભેટ આ લો!

દૂતે જઇ પાત્ર દીધું છલોછલ,
જોઇ વિમાસે ગુરુ શાંત નિશ્ર્ચલ.
ઘડી પછી સાકર થોડી લીધી,
ભરી ભરી મૂઠી, ઉમેરી દીધી.
ને પાત્ર એ દૂધનું દૂત સાથે
પ્હોંચાડ્યું પાછું તહીં ભૂપ-હાથે.
જોયું ન્રુપે બિંદુ તૃણેથી ચાખી :
રે દૂધમાં સાકર છે શું નાખી ?
જા દૂત, તારા ગુરુને કહેજે,
થશે તમારો વસવાટ સહેજે.

છે દૂધમાં સાકર આ સમાઇ,
એવા જ રહેજો બની ભાઇ ભાઇ.
છો ગૌર, છો ધીર, ગભીર, વીર,
મા-ભૂમિનું નીવડશો જ હીર.
વર્ષો હજારેક પછી વહી ગયાં,
છે પારસી ગુર્જરી-હીર થૈ રહ્યા.

- ઉમાશંકર જોશી

વિશ્વમાનવી -- ઉમાશંકર જોશી



કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

ગુર્જરી ગિરા

જે જન્મતાં આશિષ 'હેમચન્દ્ર'ની
પામી, વિરાગી જિન સાધુઓ તણી,
જેને તપસ્યા ગળથૂથીમાં મળી,
રસપ્રભા 'ભાલણ' થી લહી જે,
નાચી અભંગે 'નરસિંહ'- 'મીરાં',
'અખા' તણે નાદ ચડી ઉમંગે,
આયુષ્મતી લાડકી 'પ્રેમભટ્ટ'ની,
દ્રઢાયુ 'ગોવર્ધન'થી બની જે,
અર્ચેલ 'કાન્તે' 'દલપત્તપુત્રે' ,
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,
'ગાંધી' મુખે વિશ્વમાંગલ્યધાત્રી.

(ઉમાશંકર જોશી)

Sunday, April 26, 2009

અમે અમદાવાદી

ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,
અમદાવાદ મા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી અમદાવાદની વસ્તી.. ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,
તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.
ક્યા મળે C. G. Roadની રંગીલી સાંજ,
ક્યા મળે લો-ગાર્ડનની ચટાકેદાર રાત ,
ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે હોનેસ્ટ જેવુ પાવ-ભાજી, ક્યા મળે ashok જેવુ પાન,
ક્યા મળે shambhu જેવી કોફી-coco, ક્યા મળે zodiac જેવી નાન.
અમદાવાદ નો રંગ નીરાળો, અમદાવાદ નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો "અમે અમદાવાદી"....

પાન લીલું જોયું ને...

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યા

શાંત ઝરુખે વાટ નિરખતી...

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી,
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતુ હતુ,
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું,
એના સ્મિત મા સૌ સૌ ગીત હતા એને ચુપકી પણ સંગીત હતું.
એને પડછાયા ની હતી લગન એને પગરવ સાથે પ્રીત હતી,
એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો,
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો,
એ મોજા જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી હતી,
કોઈ હસીને સામે જોવે તો બહુ પ્યાર ભયુઁ શરમાતી હતી,
એને યવ્વન ની આષિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમ મા ભાગિદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી
વર્ષો બાદ ફરીથી આજે એજ ઝરુખો જોયો છે,
ત્યાં ગીત નથી,સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સ્વપ્નાઓ ના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે,બહુ વસમું વસમું લાગે છે,
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,
મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતિ જોઇ હતી,
કોણ હતી એ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું,
તેમ છ્તા દિલને આજે વસમું વસમું લાગે છે
બહુ સુનું સુનું લાગે છ...

Your Ad Here