Friday, August 28, 2009

વેણીનાં ફૂલ - ઝવેરચંદ મેઘાણી

મારે ઘેર આવજે બે'ની ! નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બે'નડી ! તારા શોભતા નો'તા વાળ. - મારે

બાગબગીચાના રોપ નથી, બે'ની, ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની મારે માથે મ્હેર - મારે

રૂપ સુગંધી હું કાંઇ નો જાણું ! ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી કાંટ્યમાં આથડનાર - મારે

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બે'ન સાટુ વીણનાર - મારે

પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ વીણીશ છેલ્લી ડાળ - મારે

ખેતર વચ્ચે ખોઇ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની, તોયે જરીકે ન બ્હીશ. - મારે

સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બે'ની માંડશે ઝૂંટાઝૂંટ - મારે

મોઢડાં નો મચકોડજે, બાપુ ! જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં'તાં અણમૂલ - મારે

શિવભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી ! તુંને શોભશે સુંદર ભાત. - મારે

ભાઇભાભી બેય ભોળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે'રી રાખજે વીરનાં વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બે'ની લાંબી તારી ગૂંથવા વેણી !

- ઝવેરચંદ મેઘાણી

Tuesday, August 18, 2009

વા વાયા ને વાદળ ઉમટ્યા... - નરસિંહ મહેતા

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના'વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ ... મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર ... મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ ... મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર ... મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ ... મળવા.

- નરસિંહ મહેતા

Monday, August 10, 2009

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા - મીરાંબાઈ

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.

આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો

જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

- મીરાંબાઈ

Sunday, August 9, 2009

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો... - ઝવેરચંદ મેઘાણી

ધીરા વાજે રે મીઠા વાજો,
વાહુલિયા હો,
તમે ધીરા રે ધીરા વાજો

ધીરા ગાજો રે ધીરા ગાજો,
મેહુલિયા રે, ધીરા રે ધીરા ગાજો

બાળુડાના બાપુ નથી ઘરમાં
અથડાતા એ દૂર દેશાવરમાં
લાડકવાયો લોચે છે નિંદરમાં
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

વીરા તમે દેશે દેશે ભટકો
ગોતી ગોતી એને દેજો મીઠો ઠપકો
લખ્યો નથી કાગળનો કટકો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મેઘલ રાતે ફૂલ મારું ફરકે
બાપુ બાપુ બૂમ પાડી થડકે
વિજોગણ હું ય બળુ ભડકે
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

સૂતી'તી ને સ્વામી દીઠા સ્વપને
વા'ણે ચડી આવું છું કે'તા મને
ચાંદલિયા વધામણી દૈશ તને
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મીઠી લે'રે મધદરિયે જાજો
વ્હાલાજીના શઢની દોરી સાજો
આકળિયા નવ રે જરી થાજો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

પાછલી રાતે આંખ મળેલ હશે
ધીરી ધીરી સાંકળ રણઝણશે
બે માં પેલો સાદ કેને કરશે?
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

- ઝવેરચંદ મેઘાણી

Thursday, July 30, 2009

સંબંધોય.....- આદિલ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે એમ પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.

- આદિલ મન્સૂરી

Friday, July 24, 2009

હું અમદાવાદનો રિક્ષાવાળો - અવિનાશ વ્યાસ

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ




(ટહુકો.કોમમાંથી - આ ગીત સાંભળવા માટે http://tahuko.com/?p=5340 )

Your Ad Here