Thursday, July 30, 2009

સંબંધોય.....- આદિલ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે એમ પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.

- આદિલ મન્સૂરી

Friday, July 24, 2009

હું અમદાવાદનો રિક્ષાવાળો - અવિનાશ વ્યાસ

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ




(ટહુકો.કોમમાંથી - આ ગીત સાંભળવા માટે http://tahuko.com/?p=5340 )

Thursday, July 23, 2009

રાધાની લટની લહેરાતી કાળાશે.. - હરીન્દ્ર દવે

રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?

એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઉગ્યા કદંમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ

સમજું સૈયર તમે ઘર _
હવે ભુલી હું ભાન કેમ શોધું?

ઉડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું_

યમુનાના વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું?

- હરીન્દ્ર દવે

કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …


- ઉમાશંકર જોશી

Wednesday, July 22, 2009

જાણીબૂઝીને - હરીન્દ્ર દવે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે' ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?


(કવિ પરિચય)

Tuesday, July 21, 2009

કેમ છો?

કેટલા વરસે મળી ગ્યા 'કેમ છો?'
સાવ બસ ભૂલી ગયા'તા 'કેમ છો?'

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું'તું હસતાં 'કેમ છો?'

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, 'કેમ છો?'

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું'તું અમથા, 'કેમ છો?'

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં 'કેમ છો?

Monday, July 20, 2009

મોતનાં ફરમાન - અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
'ઘાયલ' એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.



- અમૃત 'ઘાયલ'

Sunday, July 19, 2009

પણ હું - આદિલ મન્સૂરી

સૂર્ય હું આભ હું ને રણ પણ હું
હું જ તરસ્યો અને ઝરણ પણ હું

હું ઊભો છું સમયની બ્હાર અને
એ તરફ જાય છે એ ક્ષણ પણ હું

હું જ ઓગળતો મારી જડતામાં
હું પ્રવાહી અને કઠણ પણ હું

હું જ પથરાયો અંધકાર બની
એમાં ખોવાયેલું કિરણ પણ હું

લક્ષ્યબિંદુ ગતિ દિશા પણ હું જ
હું જ રસ્તો અને ચરણ પણ હું

મારા હોવામાં અંત ને આરંભ
જન્મ પણ હું જ ને મરણ પણ હું

હું મને શોધતો ફરું 'આદિલ'
હું જ દ્રષ્ટિ ને આવરણ પણ હું

- આદિલ મન્સૂરી

એવો કોઈ દિલદાર




એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે!

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ? જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

કોઈ પ્રેમીથી તમારા વાતોની કલા લ્યે, એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરુરત પડે ત્યાં સૂકાં નયન હો, ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહી આવે.

છે મારી મુસીબતનું 'મરીઝ' એક આ કારણ, હું મુજથી રુઠેલો છું, મને કોણ મનાવે?


Saturday, July 18, 2009

સદીઓ સરી ગઈ - આદિલ મન્સૂરી

જરા એની કૃપાદષ્ટિ ફરી ગઈ

અને આખ્ખીયે પૃથ્વી થરથરી ગઈ

મરેલી માછલીએ આંખ ખોલી
અને રણરેતમાં રસ્તો કરી ગઈ

પ્રલયની પાર ઊતરી એક નૌકા
ને પર્વત ટોચ પર જઈ લાંગરી ગઈ

સમય પણ ફાસ્ટફોરવર્ડ થઈ ગયો શું
કે એક જ રાતમાં સદીઓ સરી ગઈ

હવે બ્રહ્માંડ પણ ટૂંકું પડે છે
બધી ઈચ્છાઓ કેવી વિસ્તરી ગઈ

હતાં કેવાં ઊછળતાં પૂર 'આદિલ'
હવે ભરતી રગોમાં ઓસરી ગઈ


- આદિલ મન્સૂરી

કરી લીધી – અમૃત "ઘાયલ"






અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી;
કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં ?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે 'ઘાયલ',
અમારે વાત કરવી હતી પ્યારી, કરી લીધી.



Friday, July 17, 2009

તળેટી સુધી ચાલ - રાજેન્દ્ર શુક્લ

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

- રાજેન્દ્ર શુક્લ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું - સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો'કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

-સુરેશ દલાલ

Thursday, July 16, 2009

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ - મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે 'મરીઝ'
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

-----------------------------------------------------------------
-----------------------------------------------------------------

હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝ',
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

બિછાવું છું ને ઓઢું છું આ ગઝલની પછેડીને - આદિલ મન્સૂરી

આ ધોરી માર્ગથી બીજી તરફ ફંટાતી કેડીને
ફરું છું હું સદા સાથે લઇ ત્યાંથી ઉખેડીને

નિરાંતે ચાલવા માટેનો હું રસ્તો કરી લઉ છું
આ નકશાના શહેરોને જરા આઘા ખસેડીને

આ મારા બિનનિવાસી દિવસોમાં હૂંફ છે એની
બિછાવું છું ને ઓઢું છું ગઝલની આ પછેડીને

દિવસ વીતે છે દિવાલોની સાથે વાત કરવામાં
ને આખ્ખી રાત ખખડાવ્યા કરું છું પગની બેડીને

હું વર્ષો બાદ પાછો પાદરે આવીને આ ઊભો
તમે સૌ ખૂશ હતા કેવા મને ઘરથી તગેડીને

બધાયે સ્નેહીઓ આવ્યા છે ઊંડે દાટવા 'આદિલ'
હવે તો આંખ ખોલો, જોઇ લો ચાદર ખસેડીને

Wednesday, July 15, 2009

મને આબાદ કર - બરકત વિરાણી ‘બેફામ’

ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર.

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર.

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર.

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર.

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જિન્દીની જેમ તારું મોત ના બરબાદ કર.

ગુજરાત મોરી મોરી રે -- ઉમાશંકર જોશી

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા'કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

Tuesday, July 14, 2009

ઊર્ધ્વમૂલ -- રાજેન્દ્ર શુક્લ

ક્ષણ સરકતું, લરહરતું વૃક્ષ છું.
શ્વાસનો સંચાર કરતું વૃક્ષ છું.

હો ધરા કે હો ગગન મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.

મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.

તું, ખખડધજ કાળ, ખોડાઈ રહે
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.

ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.

- રાજેન્દ્ર શુક્લ

(મકરંદ=પુષ્પરસ)

Saturday, July 11, 2009

દૂધમાં સાકર -- ઉમાશંકર જોશી

સૌ પારસી પૂજક અગિનના જે,
ઇરાન છોડે, નિજ ધર્મ કાજે;
સમુદ્ર ખેડી, ગુજરાત આંગણે,
સંજાણ આવી, નિજ ભૂમિ આ ગણે.
સંજાણનો જેહ સુજાણ રાણો
તેની કને દૂત વદંત શાણો;
છીએ વિદેશી, વસવાટ આપો.

ધર્મી જનોનું, ન્રુપ, દુ:ખ કાપો !
રાણો વિચારે તસુ ભોંય છે ના,
વસી નવી કો વસતી શકે ના.
કહ્યું દઇ દૂધ-ભરેલ પ્યાલો :
કહેજે ગુરુને અમ ભેટ આ લો!

દૂતે જઇ પાત્ર દીધું છલોછલ,
જોઇ વિમાસે ગુરુ શાંત નિશ્ર્ચલ.
ઘડી પછી સાકર થોડી લીધી,
ભરી ભરી મૂઠી, ઉમેરી દીધી.
ને પાત્ર એ દૂધનું દૂત સાથે
પ્હોંચાડ્યું પાછું તહીં ભૂપ-હાથે.
જોયું ન્રુપે બિંદુ તૃણેથી ચાખી :
રે દૂધમાં સાકર છે શું નાખી ?
જા દૂત, તારા ગુરુને કહેજે,
થશે તમારો વસવાટ સહેજે.

છે દૂધમાં સાકર આ સમાઇ,
એવા જ રહેજો બની ભાઇ ભાઇ.
છો ગૌર, છો ધીર, ગભીર, વીર,
મા-ભૂમિનું નીવડશો જ હીર.
વર્ષો હજારેક પછી વહી ગયાં,
છે પારસી ગુર્જરી-હીર થૈ રહ્યા.

- ઉમાશંકર જોશી

વિશ્વમાનવી -- ઉમાશંકર જોશી



કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

ગુર્જરી ગિરા

જે જન્મતાં આશિષ 'હેમચન્દ્ર'ની
પામી, વિરાગી જિન સાધુઓ તણી,
જેને તપસ્યા ગળથૂથીમાં મળી,
રસપ્રભા 'ભાલણ' થી લહી જે,
નાચી અભંગે 'નરસિંહ'- 'મીરાં',
'અખા' તણે નાદ ચડી ઉમંગે,
આયુષ્મતી લાડકી 'પ્રેમભટ્ટ'ની,
દ્રઢાયુ 'ગોવર્ધન'થી બની જે,
અર્ચેલ 'કાન્તે' 'દલપત્તપુત્રે' ,
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,
'ગાંધી' મુખે વિશ્વમાંગલ્યધાત્રી.

(ઉમાશંકર જોશી)

Your Ad Here