Friday, August 28, 2009

વેણીનાં ફૂલ - ઝવેરચંદ મેઘાણી

મારે ઘેર આવજે બે'ની ! નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બે'નડી ! તારા શોભતા નો'તા વાળ. - મારે

બાગબગીચાના રોપ નથી, બે'ની, ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની મારે માથે મ્હેર - મારે

રૂપ સુગંધી હું કાંઇ નો જાણું ! ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી કાંટ્યમાં આથડનાર - મારે

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બે'ન સાટુ વીણનાર - મારે

પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ વીણીશ છેલ્લી ડાળ - મારે

ખેતર વચ્ચે ખોઇ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની, તોયે જરીકે ન બ્હીશ. - મારે

સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બે'ની માંડશે ઝૂંટાઝૂંટ - મારે

મોઢડાં નો મચકોડજે, બાપુ ! જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં'તાં અણમૂલ - મારે

શિવભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી ! તુંને શોભશે સુંદર ભાત. - મારે

ભાઇભાભી બેય ભોળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે'રી રાખજે વીરનાં વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બે'ની લાંબી તારી ગૂંથવા વેણી !

- ઝવેરચંદ મેઘાણી

Tuesday, August 18, 2009

વા વાયા ને વાદળ ઉમટ્યા... - નરસિંહ મહેતા

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના'વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ ... મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર ... મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ ... મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર ... મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ ... મળવા.

- નરસિંહ મહેતા

Monday, August 10, 2009

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા - મીરાંબાઈ

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.

આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો

જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

- મીરાંબાઈ

Sunday, August 9, 2009

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો... - ઝવેરચંદ મેઘાણી

ધીરા વાજે રે મીઠા વાજો,
વાહુલિયા હો,
તમે ધીરા રે ધીરા વાજો

ધીરા ગાજો રે ધીરા ગાજો,
મેહુલિયા રે, ધીરા રે ધીરા ગાજો

બાળુડાના બાપુ નથી ઘરમાં
અથડાતા એ દૂર દેશાવરમાં
લાડકવાયો લોચે છે નિંદરમાં
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

વીરા તમે દેશે દેશે ભટકો
ગોતી ગોતી એને દેજો મીઠો ઠપકો
લખ્યો નથી કાગળનો કટકો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મેઘલ રાતે ફૂલ મારું ફરકે
બાપુ બાપુ બૂમ પાડી થડકે
વિજોગણ હું ય બળુ ભડકે
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

સૂતી'તી ને સ્વામી દીઠા સ્વપને
વા'ણે ચડી આવું છું કે'તા મને
ચાંદલિયા વધામણી દૈશ તને
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મીઠી લે'રે મધદરિયે જાજો
વ્હાલાજીના શઢની દોરી સાજો
આકળિયા નવ રે જરી થાજો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

પાછલી રાતે આંખ મળેલ હશે
ધીરી ધીરી સાંકળ રણઝણશે
બે માં પેલો સાદ કેને કરશે?
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

- ઝવેરચંદ મેઘાણી

Your Ad Here